Wednesday 27 September 2017

વાર્તા - નાથી

                       .
                                                            
                                                      -  રામ મોરી
                                              rammori3@gmail.com 
      " હરસુડી......હાલ્ય અય..."  હું રાંધણિયામાં મારી બાને વાળું હાટું ભીંડો સમારી દેતી હતી ત્યાં અમારી ડેલીની બાર્યથી નાથીનો અવાજ આયવો. શેરીમાં રામજી મંદિરની નવી આવેલી ઓટોમેટીક ઝાલર વાગતી હતી. મારું ને નાથીનું આ જ ટાણું હતું.
" આઘડીએ આવી હોં બા..." કે'તી મેં ચાકુ ને ભીંડાની થાળી રોટલાં ટીપતી બાની પાંહે મુકી.
" હાશ...તને તો દિ' આથમ્યે જ કળશ્યે જાવાનું હાંભરે, ને ન્યાંય બેય હારોહાર હોવો પાશ્યું. ને નાથીને કેજે કે તાર બાપુની હાંભળતાં હરસુડી નો ક્યે...હર્ષાબા નો ક્યે તો કાંય નહીં, પણ આ હું વળી ગામ સાંભળે એમ ટુકારા કરે..... ખબર સે વળી બે સોપડી વધારે ભણી ગઈ સે તે" મેં ફળિયામાં સામેની ભીંતે ટીંગાતા ત્રણ ચાર ડોલસામાંથી મારાવાળું ગોત્યું ને ટાંકીમાંથી પાણી લઈ ડોલસું છલકાવ્યું. મારી બા તો ક્યે પણ ઈને થોડી ખબર હોય કે બાઈ આ તો નાથી છે નાથી, કોઈના બાપનું નો રાખે એવી. ને આખાબોલી તો એવી કે એના બાપ મૂળાઆતાનેય નમતું નો આપે. એની આઈ મોંઘીબાઈ મારી બાને ઘણીફેર ને'રે લુગડાં ધોતાં ધોતાં કે કે,  " અમાર નાથી તો આયરના ખોરડે ગરાહણી થઈને જલમી છે."
  આખા ગામને ઈર્ષ્યા આવે એવાં મારા ને નાથીના બેનપણા. જ્યાં હોય ન્યાં હાર્યે જ હોવી. મોળાકત, એવરત, દિવાસો ને ફુલકાંજળી બધ્ધું અમી હાર્યે જ કરેલું ને હવે વડસાવિત્રીય હાર્યે જ કરવાન્યું, બસ એનું ભણતર પુરું થાય એની વાટ છે. સવાર પડે અને હું આયરની શેરીમાં મૂળાઆતાની ડેલીમાં ખોડાઈ જાવ નકર નાથી તો દિ' ઉગ્યા કેડ્યે મારા ઘેર તો હાજર હોય જ. મને તો નાથીનું ઘર બવ ગોઠે. ઘરની માલીપા તાંબા પીત્તળના ચમકતાં બેડાં જોઉં તો થાય કે નાથીય કરિયાવરમાં આવાં ચમકતાં ડાઘા વગર્યનાં બેડાં લઈ જાહેં ? મારા ઘરે રાસરસીલું તો બવ જ પણ તોય મને આયરના ઓરડાના ચમકતાં બેડાં બવ જ ગોઠે. ગામમાં સરપંચની જાગલી, બાબરની બાવલી ને મેરાદ્દા ભરવાડની જશી એમ તો ગાડું ભરાઈ અટલી બેનપણીયું પણ નીશાળમાં સાહેબ એમ કે'તા કે તમારી પાક્કી બેનપણી ઉપર નિબંધ લખો તો પાટીમાં નામ તો નાથીનું જ હોય. અમી બધ્ધું ભરત હારે જ ભરવી. નાથીના કાકી રતનબાઈ ઘણીફેર ક્યે ,    " સોડિયું, તમી બેય એકબીજાને જોઈને સરખું ભરત ભરો સો પણ નાથી, હરષા જે ભરત ભરે ઈ એનામાં હાલે આપડે નો બકે...આપડું અલગ હોય..." તો નાથી એનેય સંભળાવી દેતી " હા તે ભલે, તો કોક રજપુતના ઘરમાં બેહી જાઈશ પણ ભરત ની બદલું જાવ.." આમ તો ઈ લખ્ખણે જ ખાટીબડબાના પેટની પણ મારી હાર્યે એને બવ બને. મેં ચપ્પ્લ પેર્યા ને  દુપટ્ટો માથે ઓઢ્યો અને અમી બેય અંધારાને ઓગાળત્યું હેઠલી શેરીમાંથી નદીકાંઠે કાટ્યમાં પોગી ગ્યું. બાવળની વાંહે ડોલસા મેલ્યા ને શાંતીથી બેઠ્યું.  થોડીવારે ગોઠણ ઉપર આંગળી દબાવતાં મેં  કીધું કે " નાથી, તારે વેકીશન કારે ખુલી જાવાનું ?"  ઈ બેઠી હતી ન્યાંથી ઉભડક બેઠા બેઠા જગ્યા બદલાવતી ક્યે,  " દહમાંના રિસલ્ટ આવતે મહીને આવી જાવાના, ઈ પશી સાયન્સ કરવું કે કોમર્સ કરવું કે આર્ટ્સ ઈ નક્કી કરવાનું ને એડવીસન લેવાનું ઈ આખી માથાકુટ બવ લાંબી છે, અટલે નય નય કરતાંય  બે મહિના તો પાક્કા."
" ભમરાળી, તું તો તારી બોર્ડીંગમાં  ભણવા વય જા ને પશી મને આંયા જરાઈ જીવ નો લાગે. આખું ગામ સાવ અડવું અડવું લાગે. હું તો ઓલી જાગલી, બાવલી ને જશી ને ઈ બધ્યું પાંહે જાવને તો ઈ ક્યે કે, 'જો હરસુડી વાની મારી આવી જો, બાકી નાથી હોય તારે તો બેન આ દશના વાયરાય સુંઘે નહી.' નીસન્યું બધ્યું નણંદુ ને હાહુ જેવું બોલ્યા કરે અટલે હું તો જાવય નહીં, ને આમય બાપુ ગામમાં બવ જાવા તો નો જ દે. ઈ બધ્યું મુળે તારા ભણતરથી બળે છે, ના'વા નો મળે ને ક્યે પાણીમાં લીલ છે કાં ?" જવાબમાં નાથી દાંત કાઢે.
   નાથીના બાપા મુળાઆતા આયરોમાં માનભેર પુછાતું નામ તે એમાં નાતની પેલ્લી વેલ્લી બનેલી સોડિયું માટેની બોર્ડિંગમાં એણે સૌથી પેલ્લું નામ પોતાની દીકરી નાથીનું લખાવડાવ્યું. એટલે ગામની આમ તો ઈ પેલ્લી છોકરી જે બાર્ય ભણવા ગઈ હોય. મેં બેઠા બેઠા ઉપર  જોયું. આભનાં ઓઢણામાં આભલાં ચમકતાં હતા.
" હર્ષા, તને ખબર છે અમારે ભણવામાં એવું આવે કે આ તારાઓ છે ને, ઈ સૂરજ ને ચાંદા કરતાં નાનાં સેજય નથી. આઘા છે એટલે નાના લાગે, બાકી તો બવ તેજવાળા છે." મને દાંત આવી ગ્યા.
" નાથીઅમી ભલે ભણ્યું નો હોવી પણ આવા ટાઢા પોરના ઝીંક્યા નો કર્ય. બત્તીની ગલોપડી ડિમ પડી જાય એવા લબુક  ઝબુક થાતાં આ તારા સુરજ જટલા તેજવાળા છે એમ ? કોક ગાંડી કેહે બાઈ, ભણી ભણીને ભવન ફરી ગ્યું તારું.." હું હસી હસીને બેવડ વળી ગઈ ને મેં એનો થોબરો ચડી ગયેલો જોયો.
" માય જા નીસમારીની...." એ દાંત કસકસાવતાં બોલી. મેં દાંત કાઢવાનું બંધ કર્યું. ઈ આવી જ સે હાવ આમ. પોતાનું નો બકે કે નો હાલે તો ભુરાઈ થાય. ને એના ઘરમાં એનું હાલેય બવ. મોંઘીબાઈને નાથી પછી બીજીવાર ખોળો નો'તો ભરાણો.
" લ્યો હાલો હશે, આઈમ ચોરી બસ...." મેં ઉભા થાતાં કીધું ને એણે મોઢું મલકાવ્યું ને બોલી, "ભારે તમે તો....અંગરેજી શીખી ગ્યા." અમે દાંત કાઢત્યું કાટ્યમાંથી બાર્ય નીકળ્યું.
" હાંભળ્ય અય હર્ષા, કાલ્ય તારે મારી હારે આવવાનું છે." ઈ આમ આડે ધડ બધું નક્કી કરી નાખતી હોય છે પુછ્યા ઘાશ્યા વગર.
" ક્યા ?" હું જોરથી બોલી ગઈ.
"હરખુડીની, ધીમેલી બોલ્ય." પછી અમે હેઠલી શેરીમાં પોગી ગ્યું એટલે એ હળવેકથી બોલી.
" નાગપાંચમનો મેળો ભરાઈ છે ન્યાં, પાણીયાળી ગામે ડેમે જાવાનું છે."
" ના...માર બાપુ નો જ જાવા દે."
" અરે પણ તારે આવવું જ પડશે, માણસુર  આવવાનો છે મળવા." માણસુર નાથીના ફઈનો છોકરો થાય, એની હાર્યે નાથીનું નાનપણમાં સગપણ થઈ ગ્યેલું. અમી બેય વાતું કરતા હતા ત્યાં સામેથી થોડા આદમી આવતાં જોયા એટલે મેં ધીરેથી ફુસફુસિયાં અવાજે પુછ્યું,
" માણસુર આવવાનો છે ? કોણે કીધું ? કાલ્ય જ ? મેળામાં ?" પેલા આદમી વીયા ગ્યા ત્યાં સુધીમાં તો નાથીએ મને ચીંટીયો ભરી લીધો ને મારાથી રાડય પડાય ગઈ.
" હા, માણસુર આવવાનો છે, મેંય સાંભળ્યું ને આ બાજુ્‌માં હાલ્યા ગ્યા ઈ ગામની નવરી પાંચમુંયે ય સાંભળ્યું, તારા લીધે. તને એમ લાગે કે ફુસફુસિયાં અવાજે બોલીશ તો તું ને સામાવાળા બે જ સાંભળશો બીજાને નહી ખબર પડે એમ ? ઈ વહેમમાં તો ભમરાળી આખા ગામને તું દરફેલે બધું સંભળાવી દે સો." હું થોડી મુંઝાઈ ગઈ. મારો ડેલો આવી ગ્યો.મેં ધીરેલી કીધું,
" આઈ એમ ચોરી !"
" હા લ્યો, હારું આવડી ગ્યું. તને તો છે ને કાંઈ તળિયું જ નથી."
" લે, આ તો જો..." હું એનો હાથ પકડવા ગઈ.
એક આ જ્યારે તારો વાંક હોયને ત્યારે 'આ તો જો' બોલવાનું બંધ કરી દે.  જે કળા કરવી હોય એ કર્ય તારે કાલ્ય આવવાનું થાય છે સમજી." મારો જવાબ લીધા વિના સડસડાટ ઈ અંધારામાં ઓગળી ગઈ. ઘેર આવી. બા વાળુની તૈયારી કરતી હતી. બાપુ ઘરમાં માલીપા ટી.વી. જોતા હતા.
" હરસુડી, તાર બાપુને ક્યે વાળું તૈયાર છે." બા દુધનું બોઘડું ઓશરીમાં મુકતા બોલી. મેં બાપુને બોલાવ્યા. બાપુ વાળું કરતાં હતા. હું રાંઘણિયામાં બા પાહેં આવી, બા મોટી તપેલીમાં ઘી ઊનું કરી અને ઉના થયેલાં ઘી પરથી સાંઠીકડાથી કીટુ કાઢતી હતી.
" બા, મારે કાલ્ય પાંચમના મેળામાં જાવું છે." બાએ મારી વાત સાંભળી ન હોય એમ ઊભી થઈ ને પછી બોલી, " તાર બાપુનું વાળું પતી ગ્યું હશે જા, આયા માલીપા લીયાવ્ય બધું" હું પગ પછાડતી બહાર ગઈ, બધું અંદર વેવી લીધું ને બા હારે વાળું કરવા બેસી ગઈ.
" કાલ્ય, તાર બાપુ હવારે કટંબનો એક કજીયો પતાવવા બાર્યગામ જાવાના છે. ઠેઠ હાંજે આવવાના છે. વેલી પાશી આવી જાજે." પછી એ ચુપચાપ કોળિયા ભરતી હતી. મેં એની હામે દાંત કાઢ્યા.
      ખાટલે સુતી સુતી હું કાલ્યની વાટ જોવા મંડી. માણસુરને નાનપણ આયા બવ જોયેલો. નાથીને  એક જ ફુઈ. એમાં માણસુર પાછો ઈ ફુઈનો એકનોએક. આયરોમાં તો આવું જ. ફઈની વાંહે ભત્રીજી, જાણે કે એક નીયમ થઈ ગ્યેલો. ને ફઈ તો નાથી નાની હતી ત્યારે એની  હાટું કાનની કડીયું ચડાવી ગયેલા. નાથી કે'તી "એને 'મરકલ્યું' કેવાય, અમારામાં ઈ મરકલ્યું કરી જાય એટલે પછી સોડી એની પાક્કી." બેનનું માગું એનામાં કોઈ ભાઈ પાછું નો ઠેલવે. ઈ પછી તો નાથી મોટી થઈ ત્યારે એક દિ' ફુઈ ફરી આવેલાં. ત્યારે હું ને નાથી ઓશરીમાં પાશીકા રમત્યું હતી. ઈ ટાણે ફુઈ રકેબીમાં ચાના સબડકા લેતાં નાથીનાં આઈ મોંઘીબાઈને કે'તા હતા.
" જુવો ભોજાઈ, મારી નાથીને તો હવે કાન મોટાં વીંધાવી દ્યો એટલે હું કાનની મોટી પોખાની લેતી આવું ને પછી તો કેવડાની સળીયું નાખ્યા કરોને જુઓ તમતમારે સોનાનાં ભારેમાંથી ઠોળિયા કરાવવાની." કાળા કલરની ઝીમીમાં પલોઠી વાળીને બેસેલા ફુઈને એનું રાતુચોળ ઓઢણું ને તબકતા દોરા ગુંથેલું કાપડું આ બધું હું તો જોઈ રે'તી. ફુઈને જોતી એટલે મને થાતું કે એક દિ' નાથીય આવું પેરશે ? મોંઘીબાઈ અને એના દેરાણી રતનબાઈ આવું પેરતા પણ વારતેવારે, પણ આ ફુઈ તો જ્યારે હોય ત્યારે કાનમાં મોટા ઠોળિયા, હાથમાં ચાંદીમાં કણંદ્દા, ડોકમાં રુપાની મોટી હાંહડી ને મોરહાર પેરેલા હોય જ. કેડ્યમાંય ફુઈને રુપાનો કરઝુડો ને પગમાં કાંબ્યું આ બધું હું બસ જોયા જ કરતી. ને આ બધું મારી નાથીને કેવુંક સારું લાગશે એમ વિશાર્યા કરતી. જો કે ઈ ટાણે જ નાથીના આઈ મોંઘીબાઈએ કહી દીધેલું,
" ના બોન, મારી નાથીના કાન કાંય અટલાં ઉતરાવવાના નથી. હવે ક્યાં આવું કાંઈ ચલણ રયું છે ?"
" ના રે......ભોજાઈ, મારે તો ન્યાં કળશી કટંબને આખ્ખું ગામ આયરોનું. અમારી બાયુંને તો ઓઢણાનો લાંબો હાથ એક જેવડોક ઘુમટો કાઢવાનો ને મોટેરાની સામે તો ચંપલય ઉતારી દેવાનું જ બાઈ ! રાખો તો બધ્ધા ચલણ રે'જ તે વળી. ને મલક વાત્યું નો કરે કે મેં તો મારી સાત ખોટ્યની એકની એક નાથીવહુને પુરા ઘરેણાય ચડાવ્યા નહી ? મારે તો કરિયાવરમાંય તે બાર જોડ જાડાં કાપડાંને ઓઢણાં  જોવે જ હા, આ ઝીણાં ગાભા ન્યાં નહીં હાલે હું...." એ વખતનું નાથીનું લાલઘુમ મોઢું મને યાદ છે, ઈ તો પાંચીકા લાદીમાં પછાડી હાલતી થઈ ગયેલી. ક્યારેક ક્યારેક તો મારી બાય કે'તી, " તારી આ બેનપણીના બધા વટાણા એના હાહરિયે વેરાઈ જાવાના, આંય તો એના મા ને બાપે ચડાવી છે પણ ન્યાં કાંય હાલવાનું નથી. મીયાની મીંદડી નો બની જાય તો હા કે'જે મને." ત્યારે હુંય બાને કે'તી, " નાથી ક્યાં એના ફુઈના ઘેર હાહરે જાવાની, એના કોઈ લખ્ખણ નથી ન્યાં જાવાના. વેહવાળ તુટી નો જાય તો મને હા કે'જે બા."  સુપડાંમાં ધાન ને કસ્તર નોખા કરતી બાએ ફુંક મારી ને બધા કસ્તર ઉડી ગ્યા પછી ધાનને હથેળીથી એની કોર્ય ઢસડી લેતાં એ બોલેલી. " ઈ કાંય વહવાયા થોડા છે કે છાશવારે છુટૂં થાય ? એકવાર નક્કી થ્યું ઈ થ્યું હવે તારી બેનપણી સાત ટાંગા પછાડે તોય ઈ ઘરમાં જ જાવું પડશે. ઈ ઘરમાંથી હવે એનું ખાપણ નીકળે પણ નાથી નહી સમજી ? ને તુંય હવે એની હારે બવ હરવા ફરવાનું માંડી વાળજે." બધું વીશારતી વીશારતી ક્યારે મારી આંખ મીંચાઈ ગઈ ઈય ખબર નો રહી.
       સવારે આંખ ખુલી તો દિ' માથે ચડી આયવો હતો. ફટાફટ તૈયાર થાવ નો થાવ ત્યાં તો નાથી આછા ગુલાબી પંજાબી ચુડીદાર પેરીને આવી. મસ્ત લાગતી'તી. એણે ડ્રેસ પેર્યો એટલે મેંય પછી જાંબલી કલરનો પંજાબી પેર્યો. મને એમ હતું કે એ ચણિયાચોળી પહેરશે એટલે મેંય આગલી રાતે નેટના રાખોડી ચણીયાચોળી કાઢી રાખેલા. કોઈ દિ' નાથી આપડે ધાર્યું હોય એમ વર્તે જ નહીં. અમે ઉતાવળીયું ગામની બાર્ય હાલત્યું થઈ.
" મને એમ કે નાથી, તું માણસુરને મળવાની તે ચણિયાચોળી જ પેરીશ."
" ના રે.....મને એવું નો ગમે, ને હું લુગડા મારી હાટું પેરું છું, માણસુર હાટું નહી." માણસુર તો મનેય બવ કાંય ગોઠતો નહીં. નકર બેનપણીયુંમાં તો એવું જ હોય કે આપડા વર કરતાં બેનપણીનો વર વધું રુપાળો હોય તો પછી તમી વાતેવાતે એની ભુલો તમારી બેનપણી પાંહે કાઢ્યા કરો, એને ઉતારી પાડવાની એકય તક જાવા તો ન જ દે...ઈ બધું દાંત દાંતમાં પણ બધ્યું એકબીજાને કહી દે, પણ જો બેનપણીનો વર હારો નો હોય તો આપડેય કાળજે કરવત મુકાય. માણસુર તો ભમરાળો સાતય નહી ભણેલો. ઢોર ચારે ને વાડીમાં ટ્રેકટર હાકે ને અમારી નાથી તો કલેક્ટરનેય ઉભો ઉભો મુતરાવે એવી. નાથી કોઈ દિ' ઉઘડીને પોતાનો અણગમો ક્યે નહીં. પણ જો તક મળી હોય તો એના આતાને આઈને કે'વાનું ચુકેય નહી કે એની બધી હોશીયારી આખરે તો કાપડાને કાંબીયુમાં ખોવાઈ જાવાની. મૂળાતા ને મોંઘીઆઈ ગમ્મે ત્યારે નાથી હાટુ ગમ્મે ઈ કરી છુટે એવા, એટલે મને ખાત્રી કે ક્યારેક તો કાંઈક તોડ આવશે જ. પણ તોય નાથી માણસુરને મળવા રાજી થઈ ઈ જ મને બવ મોટી વાત લાગી.
" તાર હાવડો આવી ગ્યો નાથી ?" મેં ઉતાવળાં હાલતાં કીધું.
" મય ગ્યો હાવડો, તને તો આવા લપ બવ બાપા. બે ઘડી મુંગી નો રહી હક. મારી આઈ મરે જો ભમરાળી તું અડધો કલાક મુંગી રહી હકતી હો તો." હું તો સમસમી ગયેલી. પશી અડધી કલાક ઉપર થઈ પણ હું નો બોલી. બોલે ઈ બીજા.
" હર્ષા, તારી કેસેટ કેમ બંધ થઈ ગઈ? સીસોટી ગળી ગઈ કે હું ?" એણે દુપટ્ટાના છેડાથી પરસેવો લુંછ્યો. હું તો એની હામે જોઈ રહી ને પછી તાડુકી,
" તું તો નભ્ભાય, બોલું તો કે ભુંગળું વાગે ને નો બોલું તો કે સીસોટી ગળી ગઈ..કેમ પોગવું ?" એણે દાંત કાઢ્યા. ઈ પાછી એવું મોઢું કરે કે આપણને નો દાંત આવતાં હોય તોય આવી જાય. અમારા ગામથી થોડે આઘે નાગદાદાની દેરીએ દરવરશે મેળો ભરાય. બધા છોકરા છોકરીયું એકબીજાને મળવા ન્યાં બહું જ આવે. જ્યાં જ્યાં નજર કરો ન્યાં આવાં જોડકાં ઉભાં ઉભાં લેર્યું કરે. બળે અમારી જેવાં જેને એકેય ખુણે લીલપ નો હોય. છોકરીયું તો ચણિયા ચોળીને માથામાં વેણી નાખીને આવે, બેય હાથમાં ઢગલો બંગડીયું હોય, ડોકમાં તડકામાં ઝબકીને હોંકારો દે એવા ડાયમંડ, આંગળીયુંમાં સાંકળિયુંવાળી ભાત ભાતની વીંટી પેરેલી હોય, હાથમાં આગલી રાતે ધોયેલી લાલચટ્ટક મેંદી હોય, મોઢામાં તડકા ભેગો પાવડર ચમકતો હોય, હાથમાં વાળીને સાચવેલો અત્તર લગાવેલા રુમાલ હોય. ને અલકાતી મલકાતી એઓના ''નો હાથ પકડી પવનની હારોહાર લળી લળીને વારે વારે રુમાલથી મોઢુ ઢાંકીને શરમાઈ લેતી હોય. એનો અડધો રુમાલ તો એની લાલીથી જ લાલ થઈ ગ્યો હોય. ને એઓના '' પણ રંગબેરંગી બુટકટ પેન્ટ ને જાત જાતનાં બુશર્ટ ને ભાત ભાતનું ચિતરેલું      ટિશર્ટ પેરીને ગલોફું ફુલાવીને, ગળે રુમાલ નાખીને લાંબા લાલ કેસરી ઝટિયાને ઉલાળતાં હરખાતાં હોય. મને આમ તો આવું બધું બહું ગોઠે નહીં. અમી એક મોટા ચકડોળ પાંહે આવીને ઊભ્યું રહી ગઈ.થોડીવારે અમે બેય ગોળ ગોળ ફરતાં મોટાં ચકડોળને જોઈ રહી ને પછી નાથી મારો હાથ પકડતાં ક્યે,
" હાલ્ય, ચકડોળમાં બેહવી...."
" અરે...લે તું મને પુછ્યાં વન્યા દરફેલે બધું નક્કી નો કરી નાખ્ય. મારે નથી બેહવું" મેં મારો હાથ ઝટકાવીને છોડાવી નાખ્યો.
" આવવું છે ? હું જાવ છું" એણે દુપટ્ટો અને એના લાંબા ઉડતા વાળને હરખા કર્યા.
" નાથી, મને ફેર બવ ચડે...તું જા હું આંય ઉભી. માણસુર આવે તારે કહીશ જા." એ તો તરત જ પોગી ગઈ ને ચકડોળમાં ગોઠવાઈ. હું જોઈ રહી. મારા ધબકારા અચાનક વધી ગયા. આખા ડિલે પરસેવો થયો. નાથી એક મોટા પીંજરામાં બેઠી, એના પીંજરાનું બારણું દેવાયું ને સાંકળ લગાવાઈ. થોડીવારે આખું ચકડોળ ધીમે ધીમે હલ્યું, મારી ને નાથીની આખ્યું એક થઈ એ હજીય દાંત કાઢતી હતી, બેય હાથે પાંજરું કસકસાવીને પકડી રાખેલું એણે.મેં પરસેવો ફરી લુંછ્યો. ચકડોળ ધીમેલી ચાલું થયું. ગોળ ગોળ ફરવા માંડ્યુ. એની ઝડપ વધતી હાલી. ને પછી ઉપર હેઠે પાંજરા થાય નાથી શીહું નાખે, તાળીયું પાડે, આખું ચકડોળ કીકીયારીમાં ફેરવાઈ ગ્યું. મારાથીય એક શીહ નીકળી ગઈ, મને ચક્કર જેવું થ્યું તે હેઠે પાણા પર બેહી ગઈ.એક ઉબકો આવીને જાણે છાતીમાં ઠહકાય ગયો. આંખે અંધારા આવવા લાગ્યા, બધ્ધું બબ્બે દેખાવવા માંડ્યું, જોશથી આંખ્યું મીંચી દીધી. મારી પીઠ પર કોઈએ હાથ મેલ્યો ને હું ઝબકી ગઈ, જોઉં તો નાથી ઉભી હતી, હજીય દાંત કાઢતી હતી.
" હું થ્યું હર્ષા ?" હું ઉભી થઈને એને ભેટી પડી.
" ગાંડી તું તો હાવ. હું કાંય ન્યાં મરી નોતી જાવાની." મને એવું લાગ્યું કે હું રોઈ પડત. મારો હાથ પકડી એ પાણીપુરીની લારીએ લાવી. પાણી પીવરાવ્યું ને બે પાણીપુરીની ડિશનો ઓરડર કર્યો. અમી હજી માંડ એક એક પાણીપુરી ખાધી હશે ને ગલોફા ફુલ્યાં નો ફુલ્યાં ત્યાં તો હામેથી એક રાજદુત આવતું જોયુ. હું તો નો ઓળખી હકી પણ નાથી ઓળખી ગઈ, પડખું ફરી ગઈ. એનું મોઢું બદલાઈ ગયું. રાજદુત માથે  'તોફાની કાનુડો' લખેલું જોયું ને હું હમજી કે અરરર આ માણસુર છે ? પાંચ છ વરહ પહેલાં જોયેલો અત્યારે તો મોટો જોંગો    જનાવર જોઈ લ્યો. આ સોકરાઓ તો સાવ ઉભા ટોયા જેવા હોય ખપાટીયાની જેમ વધતાં હાલે. માણસુરની તો મોટી મોટી મુંશ, આખા ગાલે વકરી ગ્યેલી દાઢી,ગળામાં ઘુઘરાળા ને ચાંદીનો જાડ્ડો દોરો, મોટા ચશ્મા ચડાવેલા, આંગળિયુંમા બબ્બે વેઢ પેરેલા. ભરત ભરેલી   મોજડી ને બુશર્ટના બે બટન ખુલ્લા.
"ઓય બાપા, નાથી આ તો જો કેવો જમના દુત જેવો લાગે છે. "  હું દાંત કાઢવાનું માંડ રોકી હકી. માણસુરની હારે નવરી ચમસાગીરીવાળો એક નક્કામોય આયવો'તો. ઈ આયવો ત્યારનો મને જોતો હતો ઈય મને વર્તાય ગયુ. માણસુરે ઘડી બેઘડી અમારી હાર્યે વાત કરી ને પછી ઈ ને નાથી બેય તળાવની પાળ હેઠે પાણા ઉપર બાવળિયે બેહવાં ગ્યા. ઈ જાતાં હતા ત્યારે મેં જોયું કે માણસુરના ભાઈબંધે માણસુરના હાથમાં કાંઈક નાની ગુલાબી પડીકી જેવું કાંઈક પકડાવ્યું, ને હળવી આંખ મીંચકારી. મને પેલાં તો કાંય વહેમ નો પડ્યો પણ પછી રહી રહીને ટી.વી.ની બધ્ધી એડબટાયું સાંભરી ગઈ, કાંઈક જેવું તેવું જે હમજાણું કે મારી હથેળીયું ભીની થઈ ગઈ.  બવ જ વાર લાગી એટલે મને મુંઝારો થાવા માંડ્યો. મેં ઓલાને કીધુંય ખરું કે,
" ભાઈ, માણસુરને ફોન કરીને ક્યો દિ' આથમવા આયવો છે. બવ વાર લાગી અમારે મોડું થાય છે.." મારો અવાજ સહેજ ભરાઈ ગ્યો. મારી આંખે આછા જળજળિયાં બાઝી ગ્યાં. પેલાએ દાંત કાઢતાં કીધું,
" અમારેય બવ બધી ઉતાવળ સે, તમતમારે ચિંતા નો કરો." હું એને પડતો મેલી દાંત કસકસાવતી મુઠ્ઠીયું વાળીને નાથી ગઈ હતી ન્યાં તળાવની પાળ હેઠ્યે બાવળિયામાં હાલતી થઈ ત્યાં તો મારી હામે નાથી ધોડતી આવી. સીધી મારી હાર્યે ભટકાણી. આખી ધરુજતી હતી. મેં જોયું  તો એનાં જમણા ગાલે પાંચ આંગળા ઉપસી આયવા'તા. આંખ્યું વરસવાનું બંધ જ નો'તી કરતી.
" હરસુડી, હાલ્ય, ઝટ ઘર હાલ્ય...." મારું બાવડું પકડી એ મને ખેંચવા લાગી. મેં વાંહે ફરીને જોયું તો માણસુર કાંઈક બડબડાટ કરતો'તો. એનું મોઢું ચડી ગયું હતું. આંખ્યું દાઝ ભરેલી હતી. મેં નાથી હામે જોયું તો નાથી તો પારેવું ફફડે એમ ફફડતી હતી. મારો હાથ દબાવી નાથી રોઈ પડી. આવી માંદલ તો આ સોડીને મેં કોઈ દા'ડો નો'તી જોયેલી. મારામાં ખબર નો રહી કે હુ ઝનૂન સવાર થઈ ગ્યું ને હું સાત ગામ હાંભળે એમ બરાડી ઊઠી,
" નીસમારીના, તારી માને...ભેરબા તાર સાત પેઢીનુ...." નાથીએ મારું મોંઢું દાબી દીધું ને ઘર ભણી ખેંચવા લાગી. મેં પાછું વળીને જોયું, ઓલા હજી અમારી સામે જોતા'તા ને ખીખીયાટાં કરતાં હતા.
" હાથ શેનો ઉપાડે સો ઢોરના પેટ્યના...તાર બાપના રોટલા.." નાથીએ મારું બાવડું જોર કરીને દબાવ્યું ને ખેંચવા લાગી.
"....મારા મૂળાઆતાને બોલાવીને તારા ભડવાઈના કાંકરા નો કરાવી નાખું તો ફટ્ટ કેજે આ ગરાહણીને..." મારા બેય ગાલ ધરુજતાં હતાં ને વારે વારે દાંત ભીસાંય જાતા'તા ને નાથીને જોઈ આંખ્યમાં પાણી આવી જાતા હતા. અમી બેય ઘર ભણી હાલત્યું થઈ. આખે રસ્તે હું પુછતી રહી ને નાથી જબાબ દીધા વન્યાં રોતી રહી. હું માણસુરને એની મા ને બોન સામે મણમણની દેતી રહી, ગામનું પાદર આયવું ને મેં એને માંડ છાની રખાવી ને માથે ઓઢીને જલદી ગામમાં પોગી ગયું. ફટોફટ આયરની શેરીમાં થઈ ને નાથીના ઘરમાં ગર્યું. ફળિયામાં રસોડા પાંહે સાતમની ગાર્ય કરવા હાટું ભેગા કરી રાખેલા છાણમાં પાણી નાખી મોંઘીબાઈ છાણ મહોળતાં હતા.  લીમડા પાંહે રતનબાઈ લીંબુંથી તાંબા પીત્તળના ઠામડાને ઘસી ઘસી ઉજળા કરતાં હતા. નાથીએ સીધી ઘરમાં દોટ મેલી ને લાંબા ઢાળે રોઈ પડી. મોંઘીબાઈ ને રતનબાઈ એની વાંહોવાંહ ઓયડામાં ગ્યા. હું ઉંબરે ઉભી રહી ગઈ. નાથી રોવાનું બંધ નો'તી કરતી.
" કાંઈક નામ તો પાડ્ય નભ્ભાઈ...મારો જીવ બેહી જાહે, હું થ્યુંસ ?" મોંઘીબાઈ નાથીને હલબલાવતા હતા.રતનબાઈ મને ક્યે, "બટા, હરશા, હું થ્યું સે ?"
" કાકી, મને તો કાંય હમજાતું જ નથી...હું તમને હું કવ..કાંઈ કે'તીય નથી ને પાશી રોવે સે ને ..મને કાંઈ નથ ખબર...મને તો હું     ખબર્ય પડે..આખે રસ્તે હુંય તે.."
" તું તો છાની રે પેલા...જા, કળશ્યો ભરી આવ્ય ને ડેલો બંધ કરી આવ્ય." રતનબાઈ બોલ્યા ત્યારે મને હમજાણું કે હુંયે ધ્રુસકે ધ્રુસકે રોવ છું. મેં પાણીયારે જઈ પાણી પીધું ને કળશ્યો ભરી અંદર ઓયડામાં દઈ આવી. નાથી હિબકાં ભરતી હતી,
" માર પેટ...રો મા, તું મને કે માર સાવજ હું થ્યું...." મોંઘીબાઈનો ફફડાટ વધતો હાલ્યો. હું જઈને બેય ડેલા બંધ કરી આવી. પાશી આવીને જોયું તો નાથી કાંઈક તુટક તુટક અવાજે બોલતી હતી..હિબકા ભરતી હતી...ને બોલતી હતી..
" આઈ.....મને...ઈ છે ને....આઈ...."
" હા..બેટા બોલ્ય, બોલ્ય કોઈએ કાંય કીધું, કોઈએ કાંય કર્યું ?" રતનબાઈ નાથીના વાંહામાં હાથ ફેરવતા હતા.
" મને ઈ ક્યે કે...મને.....આઈ...હું તો જાવાની જ નોતી..તમી..તમી મને મોકલી...હું તો જાવાની જ નોતી..ને હું...હું....મેં એને ના પાડી તો એણે મને....મને મારી...ને મને...." ફરી હિબકે ચડી ને એણે એનું કુર્તુ ઉચું કર્યું અને અમી જોયું તો સાથળ પાંહેની આખી ચોવણી ફાટેલી હતી. રતનબાઈ ડચકારા બોલાવતાં મોઢું ફેરવી ગ્યા.
" મેં...કાંઈ નો થાવા દીધું....મેં....આઈ..મેં.... હું ઉભી થઈ ગઈથી.." મોંઘીબાઈ ફળફળતો નિસાસો નાખી ગયા. રતનબાઈની આંખ્યું ભરાઈ ગઈ.
" આઈહું ન્યાં ની જાવાની..મારે ઈ ઘરમાં પૈયણીને જાવું જ પડે..એવું થોડું સે...?"
" હા, કાકી સોડિયું કાંય વડના ટેટા નથી કે ફાવે ઈ ઠોલી ખાય, મન એનો બાપ વાંઢો રે'તો આવા કુતરીનાવને તો.." રતનબાઈ મારી હામે એકધારું જોઈ રહ્યા ને મારી જીભડી અટકી. નાથી એની આઈ હામે જોઈ રહી. નાથીના કાકી રતનબાઈ ઉભા થ્યા ને એની જેઠાણી મોંઘીબાઈ હામે જોઈને બોલ્યા, " મોટા, મેં તમને નો'તું કીધું કે રેવાદ્યો, મેળે નથી મેલવી આને. તમી ખાલી ખોટા મનમેળની ચંત્યા કરો સો. હું ને તમી મન મેળ કરીને આ ઘરમાં પયણીને આયવા'તા ?" થોડીવાર લગી કોઈ કાંય બોલ્યું નહી પછી રતનબાઈ હાલતા થ્યાને ઉંબરે ઉભા રયા ને પાછું વળું ફરી નાથી હામે જોઈને બોલ્યા, " રોણાને રોકતા શીખ્ય બટા, સાત વાના કરશું તોય કાંઈ નથ થાવાનું...સગામાં સગું થ્યું છે...લોઢે લીટો..."રતનબાઈ તો આગળ પાછળ જોયાં વન્યાં સીધાં ફળિયામાં ને એને ચાકુથી એક ઘાએ લીબુંના બે ફાડીયાં કરી નાખ્યાં. મોંઘીબાઈ ઘડીબેઘડી નાથી સામે જોઈ રહ્યા, પછી ઉંબરે ઉભેલી મારી હામે જોયું ને છાણવાળા હાથે મોઢું લુછ્યું અને ઉભા થયા.
" લે હવે, મોઢું ધોઈ નાખ્ય.... કામના કોઈ માપ નથી.. રોટલા માંડ્ય. હાલ્ય, દિ' હવે તો  ક્યારનોય આથમી ગ્યો સે." ઈ ઉતાવળા પગે ઓયડાની બાર્ય નીકળી ગ્યા. નાથી ફાટી આંખે એને આમ જાતાં જોઈ રહી. મોંઘીબાઈના પંપાળવાથી ઈ આખી છાણ છાણ બગડી'તી. પછી એણે મારી હામે જોયું ને પછી મોઢા ઉપર હાથ મુકી ટુટિયુંવાળી ઈ રોઈ પડી. મેં જોયું તો ઘર આખાનાં તાંબા પિત્તળનાં ઠામડાનો ઢગલો ફળિયામાં આવી ગયેલો ને રતનબાઈ રાતા ઓઢણાના છેડાને દાંત તળે દબાવી ઠામડા માથે ઉઘડેલાં ડાઘા કાઢવા લીંબું લઈને બમણા ઝનૂનથી ઠામડા પર તુટી પડ્યા. મોંઘીબાઈ છાણના ઢગ પાંહે પડખું ફેરવીને એવી રીતે બેહી ગ્યા કે જોનારાને તો એમ જ લાગે કે ઈ જાણે આખા માલીપા ખુંપી ગયા અને ગાર્યના છાણના ઢગ માથે જાણે કોકે ખાલી રાખોડી ઓઢણું ઓઢાડ્યું છે. મને ડીલે પરસેવો બાઝ્યો, આંખે અંધારા આયવા, બદ્યું ગોળ ગોળ ફેરફદુડી લેવા મંડ્યુ ને બધું આમ ફંગોળાય ને તેમ ફંગોળાય ને ચીચીયારી, રાડારોળ, એક  ઉબકો આવીને જાણે છાતીમાં ઠહકાઈ ગ્યો ને મેં આંખો જોશથી મીંચી દીધી. પડવા ગઈ કે બારસાખનો ટેકો લઈ બરોબર ઉંબર માથે બેહી પડી.
                                    
                                          

                                  

Sunday 24 September 2017

લઘુકથા - તારા શહેરમાં !

               
                                               -        રામ મોરી
                                    rammori3@gmail.com

      સ્ટેશન પરના અવાજો અને ચહલ પહલના કારણે આંખ ખુલી ગઈ. કાચી ઉંઘનો થાક આંખમાં કણાની જેમ સ્હેજ ખૂંચ્યો.જાગીને સૌથી પહેલાં સામાન પર એકવાર નજર ફેરવી લીધી. ઉંઘમાં વીખરાયેલા વાળને બે હાથે પકડીને અંબોડામાં બાંધ્યા. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બારી પાસે મુકેલા પુસ્તકના પાના પર વાંછટ લાગી છે કે નહીં એ જોઈને મેં મારી સ્કાય બ્લુ રંગની સાડીના પલ્લુથી  પુસ્તક લૂંછી લીધું. સ્હેજ ઝૂકીને મેં સ્ટેશનનું નામ વાંચ્યું. એક ઘબકારો ચુકી ગઈ.અંકિત, આ તો તારું શહેર છે. આમ તો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું તારા શહેરમાં આવીશ એ પણ આટલા વર્ષો પછી. આમ તો હું તારા શહેરમાં છું એવું કહી ન જ શકાય કેમકે હું નીચે નથી ઉતરી. બેસી રહી છું ટ્રેનની બારીના સળિયા સજ્જડ પકડીને. ટ્રેનમાં ચડી  ત્યારે અંદાજો હતો જ કે તારું શહેર રસ્તામાં આવશે જ. મેં નક્કી કરેલું કે ભલે આવે પણ હું આંખો બંધ રાખીશ. સજ્જડ બંધ.  સૂઈ રહીશ એટલે ખબર પણ નહીં પડે કે તારું શહેર ક્યારે આવ્યું અને ક્યારે જતું રહ્યું.  ખબર નહીં તોય મારી આંખ અહીંયા આવતા કેમ ખુલી ગઈ.
    સહેજ અકળામણ જેવું થાય છે. બહાર નીકળવાનું  મન થયું પણ બેસી રહીશ. પછી અંબોડામાંથી છૂટી પડેલી લટને બમણા ઝનૂનથી કાન પાછળ ધકેલી બંને હાથથી ચહેરો ઘસીને સાફ કરી નાખું છું અને ખુદને સમજાવું છું કે ના અનાહિતા, અહીં જ બેસી રહે. ક્યાંય જવાની જરૂર નથી. ફરી બારી બહાર જોઈ રહી. એવું લાગ્યું કે બહાર ઉભેલા દરેક લોકો મારી તરફ આંગળી ચીંધીને કહી રહ્યા છે કે આ તો પેલા અંકિત સાથે હતી એ જ અનાહિતા છે. હું એકદમથી ઉભી થઈ ગઈ. મોટા મોટા ડગલા ભરીને ટ્રેનના દરવાજે ઉભી રહી ગઈ. બહાર વાતાવરણ વરસાદી હતું. સાંજના ચાર વાગ્યા હતા. એકવાર તારા શહેર પર એક નજર કરી અંકિત. ઉંડા શ્વાસ લીધા. કોઈ પરિચિત સુગંધ જાણે કે મારા ફેફસામાં ભરાઈ. તરત જ ડરની મારી એક ડગલું પાછળ હટી ગઈ. તને એક વાત કહું અંકિત, તારા શહેરની ગંઘમાં પણ  તું જ છે. છોભીલી પડી જાઉં છું. વરસાદ સાથે પવન છે. કોટન સાડીનું પલ્લું પણ હવામાં ફાવતું નથી એ રીતે લહેરાઈ રહ્યું છે. અંબોડાની ખાસ્સી લટો નીકળી આવી એટલે વાળ છોડી નાખ્યા. વાળ ઉડ્યા અને ઠંડો પવન પીઠ પર અથડાયો. એક ધબકારો ચુકી ગઈ કે તારા શહેરના પવનમાં પણ તારા આંગળાનો સ્પર્શ અકબંધ છે. મારા કપાળ પર અને છાતી પર ઝીણા વરસાદનો ભેજ છે કે તારા સ્પર્શથી વળેલો પરસેવો એ હું નક્કી નથી કરી શકતી. બાજુમાં રેલ્વેનો બીજો ટ્રેક છે અને એ પાટા પર કોઈ અજાણ્યા નાના છોડ ઉગ્યા છે. નક્કર લોખંડ વચ્ચે કુંપળનું ફૂંટવું એ જોવું ગમે પણ એનું અસ્તિત્વ કેટલો સમય ? કદાચ આપણા  સંબંધ જેટલું જ. જો હું અત્યારે અદબવાળીને  હોઠ દ્રઢતાથી બીડીને ઉભી છું કેમકે મારે કોઈ ફરિયાદ નથી કરવી. તને હંમેશા એવું જ લાગતું હતુને અંકિત કે હું જ ફરિયાદ કરું છું, જો કાયમ માટે ચૂપ થઈ ગઈ.અત્યારે એ પાટા ખુલ્લા છે. થોડા સમય પહેલાં ત્યાં પણ કોઈ ટ્રેન હશેજ ને. જેમ અત્યારે આ ટ્રેન અહીં ઉભી છે એમ. એનો સમય આવ્યે એ પણ જતી રહેશે. પાછળ બધું એમનું એમ રહેશે જેમ તારા ગયા પછી હું રહી ગઈ એમ, એમની એમ.
  તું તારા ઘરની બારી પાસે બેસીને લખી રહ્યો હોઈશ. પવનમાં તારા પુસ્તકના પાના ફરફરી રહ્યા હશે. તારી બાજુમાં મુકાયેલા ચાયના મગમાંથી આછી વરાળ નીકળતી હશે. તારા ટેબલની આસપાસ પુસ્તકોની ભેજવાળી ગંધ પથરાયેલી હશે. તું લખતો લખતો અટકી જઈશ અને બારી બહાર વરસતા વરસાદને જોઈશ ત્યારે તને તો ખબર પણ નહીં હોયને કે તારા શહેરમાં હું આવી છું, અને જતી પણ રહેવાની. કેવું કહેવાય કે આટલા બધા માણસોથી ધબકતા આ શહેરની ઓળખ મારા માટે તો માત્ર તારું શહેર છે. તને એવું અત્યારે થોડીવાર પણ અનુભવાતું હશે કે વરસતા વરસાદમાં હું આવી છું, નહીં આવવા બરાબર. ખબર નહીં.ટ્રેનની વ્હીસલ વાગી. ટ્રેન ધીમે ધીમે પ્લેટફોર્મ છોડી રહી છે. હું આગળપાછળ જોયા વિના પાછી મારી જગ્યાએ ગોઠવાઈ જાઉં છું. ખબર નહીં કેમ પણ આંખમાં આંસુ આવી જાય છે વારંવાર. આંખોના નંબર વધી ગયા છે,બહું દૂરનું જોવાનું હવે બંધ કરવું પડશે. તારું શહેર છૂટી રહ્યું છે ધીમે ધીમે અને તું ત્યાં જ છે હજું પણ અકબંધ.